ડુંગળીમાં સ્પ્રિંગ ઊછળી: એક જ દિવસમાં ૪0 ટકાનો ઉછાળો

Spring bounce in onions crop price 40 percent bounce in a single day in Agriculture of Gujarat

ડુંગળીમાં તેજીને ડામવા માટે કેન્દ્ર સરકારે ગત વર્ષે નિકાસબંધીનું શસ્ત્ર ઉઠાવીને તેજીને સ્પ્રીગને દબાવી હતી, પંરતુ આજે તે બમણાં વેગે ઉછળી છે. 

ગુજરાતની બજારમાં ડુંગળીનાં ભાવમાં એક જ દિવસમાં ૪૦ ટકાનો અને નાશીકમાં ૩૦ ટકાનો ઉછાળો આવી ગયો છે. આગામી દિવસોમાં ડુંગળીની બજારો હજી વધે તેવી પુરી સંભાવનાં છે.

મહુવા-ગોંડલમાં શનિવારે ડુંગળીનાં ભાવ લાલમાં રૂ.૫૦૦ ની અંદર પ્રતિ ૨૦ કિલો બોલાતાં હતાં, આજે વધીને રૂ.૭૦૦ની ઉપર પહોંચી ગયાં છે.  

ગોંડલમાં ડુંગળીનાં ભાવ ૨૦ કિલોનાં ઉપરમાં રૂ.૭૧૧ સુધી હતી, જ્યારે મહુવામાં રૂ.૬૭૧ બોલાતાં હતાં. આમ ૪૦થી ૪૫ ટકાનો ઉછાળો આવ્યો છે.

નાશીકની લાસણગાંવ મંડીમાં ડુંગળીનાં ભાવ શનિવારે ક્વિન્ટલનાં સરેરાશ રૂ.૨૭૦૦ હતા, જે આજે વધીને મોડલ ભાવ રૂ.૩૮૦૦ ની સપાટી પર પહોંચ્યાં હતાં. ડુંગળીના ભાવ નીચામાં રૂ.૧૮૦૦ અને ઉપરમાં રૂ.૪૨૫૦ સુધી બોલાયાં હતાં.

ગોંડલનાં એક અગ્રણી વેપારીએ જણાવ્યું હતુંકે ડુંગળીનાં ભાવ રૂ.૧૦૦૦ ને પાર થાય તેવી પૂરી સંભાવનાં છે. 

સૌરાષ્ટ્રમાં વરસાદને કારણે બબ્બે વાર બિયારણ ફેઈલ ગયા છે અને હજી ત્રીજીવાર પણ ખેડૂતો ડુંગળી વાવી રહ્યાં છે. સાઉથમાં આંધ્ર અને કર્ણાટકનો પાક સંપૂર્ણ નિષ્ફળ ગયો છે. 

નવી ડુંગળી હવે નવેમ્બરથી ત્યાં થોડી થોડી આવશે, પંરતુ એ બહુ માલ નહી હોય. હવે નાશીક કે ગુજરાતની નવી ડુંગળી જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં આવે પછી જ બજારો ઘટી શકે તેવી સ્થિતિ છે. 

ગુજરાત કે નાશીકમાં મેળાનો માલ પણ મોટા પાયે બગડી ગયો છે અને ઘટ વધારે આવે છે. પરિણામે સ્ટોકિસ્ટ ખેડૂતોને નુકસાની છે. 

નાશીકનાં ડુંગળીનાં એક વેપારીએ જણાવ્યું હતું કે સરકારે પરિસ્થિતિને ગ્રાઉન્ડ રિપોર્ટ મેળવ્યાં વિના જ નિકાસબંધી મુકી દીધી હતી. 

જેનું રિયેક્શન ગત સપ્તાહે આવ્યું હતુ અને ભાવ ઝડપ થી ઘટયાં હતાં, પરતુ આજે બમણાં વેગે વધ્યાં છે. ડુંગળીનો પાક જ નથી અને જે સાઉથનો પાક સપ્ટેમ્બર-ઓક્ટોબર માં આવતો હોય છે તે ફેઈલ છે અને હાલ નવાની આવકો સાઉથમાં ગત વર્ષની તુલનાએ ૨૦ ટકા જ આવી રહી છે. આવી સ્થિતિમાં સરકાર ગમે તેટલા પગલા લ્યે તો પણ ડુંગળીનાં ભાવને વધતા કોઈ રોકી શકે તેમ નથી. 

કેન્દ્ર સરકારે ગત સોમવારે નિકાસ ઉપર પ્રતિબંધ મૂક્યાં બાદ ગત શુક્રવારે બાંગ્લાદેશની માંગણી અને બોર્ડર ઉપર નિકાસ માટ ઊભા ટ્રકોને સરકારે નિકાસ છૂટની પરવાનગી આપી છે. 

આ છૂટને કારણે પણ આશરે રપ થી ૩૦ હજાર ટન ડુંગળી નિકાસ થાય તેવી સંભાવનાં છે. જે નિર્ણયને પગલે વેપારીઓમાં જુસ્સો આવતાં અને માલ આગળ ઉપર નહીં મળે તેવી સંભાવનાએ ભાવ ઊંચકાયાં હતાં. 

આગળ ઉપર ભાવ હજી વધીને રૂ.૫૦૦૦ પ્રતિ ક્વિન્ટલ સુધી ઝડપથી પહોંચી જાય તેવી ધારણાં છે.

કોમેન્ટ કરો (0)
વધુ નવું વધુ જૂનું