મગફળીની ખુબજ આવકઃ ભાવ ટેકાનાં ભાવથી નીચે

Agriculture in Gujarat high groundnut crop income peanut crop price is low compare to minimum support price MSP

સૌરાષ્ટ્ર-ગુજરાતમાં ચોમાસાની વિદાય સાથે જ મગફળીની ચિક્કાર આવકો શરૂ થઈ ગઈ છે. શનિવારે સમગ્ર ગુજરાતમાં મળીને ૧.૫૦ લાખ ગુણીનાં આવક - વેપાર થયા હોવાનો અંદાજ છે, જેને પગલે તમામ સેન્ટરમાં ભાવ ઘટવા લાગ્યાં હતાં. રાજ્યમાં બે સેન્ટરોને બાદ કરતાં તમામ સેન્ટરમાં મગફળીનાં ભાવ સરકારે નક્કી કરેલા ટેકાના ભાવ કરતાં નીચા બોલાતાં હતાં. 

ગુજરાતમાં માર્કેટિંગ યાર્ડની આવકનાં આંકડાઓ પ્રમાણે કુલ આવક ૧.૩૦થી ૧.૪૦ લાખ ગુણી ઉપર થઈ હતી, જ્યારે ગોંડલમાં પેન્ડિંગ માલનાં ૧૫થી ૧૭ હજાર ગુણીનાં વેપારો થયા હતાં. કેટલાક વિસ્તારમાં ડાયરેક્ટર ડિલીવરીનાં વેપાર થયા હશે એ જોત્તા કુલ વેપારો ૧.૫૦ લાખ ગુણી ઉપરનાં થયા હોવાનો અંદાજ છે.

ગુજરાતમાં શનિવારે કુલ મળીને ૧.૫૦ લાખ ગુણીનાં આવક-વેપારનો અંદાજ

છેલ્લા બે-ત્રણ દિવસથી વરસાદ ન પડ્યો હોવાથી હવે ખેડૂતોએ આગતર મગફળી કાઢી નાખી છે અને હવે ચાલુ સપ્તાહથી યાર્ડમાં ઢગલાબંધ આવકો થાય તેવી ધારણાં છે. મગફળીની ચિક્કાર આવકો વચ્ચે સરકાર દ્વારા ટેકાનાં ભાવથી ખરીદી હજી ૨૧મી ઓક્ટોબરથી થવાની હોવાથી ખેડૂતોને ત્યાં સુધી રાહ જોવાનાં મૂડમાં નથી. 

વળી હાલ આગોતરી મગફળીમાં ડેમેજ માલ વધારે હોવાથી ખેડૂતો સરકારનું રિસ્ક લેવા માંગતા નથી અને ખુલ્લા બજારમાં જે ભાવ મળે એ ભાવથી વેચાણ કરી રહ્યાં છે. શનિવારે નબળા માલમાં રૂ.૫૦૦થી ૬૦૦ સુધીનાં નીચા ભાવ હતાં.

રાજ્યમાં માત્ર ડીસા અને હિમતનગરને બાદ કરતાં તમામ સેન્ટરમાં ભાવ રૂ.૧૦૫૫થી નીચે

સેરરાશ રૂ.૭૦૦થી ૮૦૦નાં ભાવ ૧૫ ટકા ઉપરની હવા માટે હતા, જ્યારે સારા માલ રૂ.૮૦૦થી ૧૦૫૦ સુધીનાં બોલાતાં હતાં. જોકે રૂ.૧૦૫૦નાં ભાવ માત્ર ઉત્તર ગુજરાતનાં સેન્ટરોમા જ બોલાય છે.

કેન્દ્ર સરકારે ટેકાનાં ભાવ ચાલુ વર્ષે રૂ.૧૦૫૫ પ્રતિ ૨૦ કિલો જાહેર કર્યા છે, જેની તુલનાએ સમગ્ર ગુજરાતમાં માત્ર ઈડર અને (હિંમતનગરમાં જ શનિવારે તેની ઉપરનાં ભાવ હતાં, એ સિવાય તમામ સેન્ટરમાં સારામાં સારી મગફળીમાં પણ ટેકાનાં ભાવ સુધીનાં ભાવ બોલાયાં નહોંતાં. 

ઈડરમાં રૂ.૧૧૧૪ અને હિંમતનગરમાં રૂ.૧૧૫૧નાં ઊંચા ભાવ બોલાયાં હતાં. ગુજરાત સરકાર દ્વારા મગફળીની આ વર્ષે ૧૩ લાખ ટન ઉપર ખરીદી કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે, પરંતુ સરકાર દ્વારા કેટલી માત્રામાં અને કેટલી ઝડપથી ખરીદી થાયછે તેનાં ઉપર સમગ્ર બજારનો આધાર રહેલો છે.

ગુજરાતનાં પૂરવઠા મંત્રી જયેશ રાદડીયાએ શનિવારે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રાજ્યમાં શનિવાર મોડી રાત્રી સુધીમાં એક લાખ જેટલા ખેડૂતોનું રજિસ્ટ્રેશન થઈ ચૂક્યું છે અને રાજ્યનાં એક પણ મગફળી પકવતા ખેડૂતો નોંધણી વગર રહી ન જાયએ માટે રવિવારે પણ સેન્ટરમાં નોંધણીની કામગિરી ચાલુ રહેશે. જરૂર લાગશે તો સહકારી મંડળીને પણ પાસવર્ડ આપીને નોંધણીની કામગિરી કરવાની સૂચના આપવામાં આવી શકે છે.

કોમેન્ટ કરો (0)
વધુ નવું વધુ જૂનું