મગફળીમાં આવક ઘટવાની સંભાવના, ભાવમાં સુધારો થશે

Peanut apmc market income is likely to decline agriculture in India country groundnut crop apmc market  price will improve

મગફળીના ભાવ છેલ્લા ૧૦-૧૨ દિવસથી એકધારા ઘટી રહ્યા છે કારણ કે સીંગતેલ અને સીંગદાણાના એક સાથે મોટા વેપાર થયા બાદ હાલ બજારમાં મોટી નાણાભીડ ઊભી થઇ છે. 

સીંગતેલની પિલાણમિલો, નિકાસકારો અને વેપારીઓ તેમજ સીંગદાણાની ફેકટરીઓ, નિકાસકારો અને વેપારીઓ હાલ મોટી નાણાભીડનો સામનો કરી રહ્યા છે કારણ કે નિકાસના વેપાર કર્યા બાદ કન્ટેઇનરની અછતને કારણે ચીન કે અન્ય દેશોમાં સીંગદાણા કે સીંગતેલ સમયસર પહોંચ ન હોઇ ત્યાંથી નાણા છુટયા નથી તેને કારણે હાલ મોટી નાણાભીડ માર્કેટમાં જોવા મળી રહી છે. 

નાણાભીડને કારણે ફેક્ટરીઓવાળા અને પિલાણમિલોની મગફળીની ખરીદી ઘટી રહી છે. સીંગતેલના ભાવ ઊંચા હોઇ આ વર્ષે ખાવાવાળાની ઘરાકી પણ જોઇએ તેવી નથી. આ તમામ સંજોગોને કારણે મગફળીના ભાવ ઘટી રહ્યા છે. તેની સામે હજુ ધારણા પ્રમાણે આવક ઘટી નથી. 

મગફળીના મિલડિલિવરી અને ફેકટરી ડિલિવરીના કામકાજ પણ મોટા પ્રમાણમાં થઇ રહ્યા છે. મગફળીના ભાવ હજુ પણ મણે રૂ.૨૫ થી ૨૩૦ કે વધુ ઘટી શકે છે.

ખેડૂતોએ મગફળીની આવક ઘટવાની રાહ જોવી જોઈએ. ઉત્તર ગુજરાતમાં ૯૦ ટકા મગફળી ખેડૂતોએ વેચી નાખી હોઇ ત્યાં આવકો હવે પાંખી થઈ ચૂકી છે પણ કમૂરતાં શરૂ થયા બાદ લગ્નગાળો પૂરો થતાં એકાદ અઠવાડિયા ઉત્તર ગુજરાતમાં પણ થોડી આવક વધશે તે દરમિયાન મગફળીના ભાવ થોડા ઘટશે. 

મગફળીના ભાવ સતત ઘટી રહ્યા હોઈ ખેડૂતોમાં વધુ ભાવ ઘટવાનો ગભરાટ પણ વધી રહ્યો હોઇ ખેડૂતો ગભરાટમાં પણ મગફળીની આવક વધારશે. આ બધા કારણો હજુ એક થી દોઢ અઠવાડિયા માર્કેટમાં જોવા મળશે.

રાજસ્થાન અને ઉત્તરપ્રદેશમાં મગફળીની આવક લગભગ પૂરી થઇ ચૂકી છે. જાન્યુઆરી મહિનાના પ્રથમ કે બીજા સપ્તાહ બાદ એટલે કે કમૂરતાં ઉતર્યા બાદ સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, રાજસ્થાન અને ઉત્તરપ્રદેશમાં એક સાથે મગફળીની આવક ઘટશે ત્યારે મગફળીના ભાવ સુધરશે. 

જે ખેડૂતોએ ત્યાં સુદી ખમી શકતાં હોય તેઓએ મગફળી વેચવાની ઉતાવળ ન કરવી. જે ખેડૂતોને મગફળી વેચવાની ઉતાવળ હોય, ભાવ વધવાનો વિશ્વાસ ન બેસતો હોઇ તેઓએ માર્કેટયાર્ડોને બદલે સરકારની ખરીદોમાં રૂ.૧૦૫૫માં મગફળી વેચવાનું વધુ પસંદ કરવું જોઇએ.

કોમેન્ટ કરો (0)
વધુ નવું વધુ જૂનું