ઘઉંની જંગી નિકાસને કારણે ભારતે ભવિષ્યમાં આયાત કરવી પડશે, ઘઉંનાં ભાવ વિક્રમી સપાટીએ

યુધ્ધને કારણે ભારતીય ઘઉંની નિકાસમાં જેટ ગતિએ વધારો જોવા મળી રહ્યો છે, પરંતુ ભારતીય ઘઉંની વધતી નિકાસને લઈને કેટલીક કંપનીઓએ ચિંતા પણ વ્યક્ત કરી છે. 

કોમોડિટીનાં ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસરે જણાવ્યું હતુ કે ભારતમાંથી અત્યારે ધૂમ નિકાસ થઈ રહી છે, પરંતુ સરકારે ભવિષ્યની ચિંતા વ્યક્ત કરીને ઘઉંની નિકાસ ઉપર પુનઃ વિચાર કરવાની જરૂર છે. અત્યારે ઘઉંની પુષ્કળ નિકાસ છે, પરંતુ પાંચથી છ મહિના બાદ ભારતે જ બમણાં ભાવ આપીને ઘઉંની આયાત કરવી પડે તેવી નોબત આવી શકે છે.

commodity market news of India will have to import in future due to massive wheat exports, wheat price today hit record

ઘઉંમાં નિકાસ માંગ પુષ્કળ હોવાથી નિકાસકારો-કંપનીઓ અત્યારે ખેડૂતોનાં ખેતરે બેસીને માલ ખરીદીને રોકડા પૈસા આપી રહી છે. વૈશ્વિક બજારમાં સતત માંગ વધી રહી હોવાથી ભારતીય ઘઉંનાં ભાવ વિક્રમી સપાટીએ પહોંચ્યાં છે અને માંગ વધી છે.

ઓરિગો (Origo Commodities India) કોમોડિટીનાં અધિકારીએ જણાવ્યું હતું કે દેશમાં અત્યારે ઘઉંનો પૂરવઠો એકદમ ઓછો અને વેપારીઓને ઘઉં મળતા નથી. વળી ઉત્પાદનમાં ઘટાડો અને સરકાર દ્વારા પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ આગામી છ મહિના માટે મફત ઘઉં આપવાનું આયોજન કરવામાં આવ્યું છે, જેને પગલે છ મહિના પછી ઘઉંની અછત સર્જાય શકે છે.  

જો કોરોનાની આગામી લહેર આવે તો સરકાર પાસે ગરીબોને વિતરણ કરવા માટે ઘઉંનોં સ્ટોક નહીં હોય તેવું પણ બની શકે છે. ઘઉંની સરકારી ખરીદી લક્ષ્યાંકથી ૫૦ ટકા જ થશે સરકારી ગોદામમાં ઘઉંનો સ્ટોક અત્યારે ત્રણ વર્ષનાં તળિયે ૧૮૭ લાખ ટન આસપાસ પડ્યો છે. ચાલુ સિઝન વર્ષમાં સરકારે ઘઉંની ટેકાનાં ભાવથી ખરીદીનો કુલ ૪૪૪ લાખ ટનનો લક્ષ્યાંક રાખ્યો છે, પંરતુ મોટા ભાગનાં સેન્ટરમાં ઘઉંનાં ભાવ ટેકાનાં ભાવથી નીચે હોવાથી સરકારી ખરીદી પણ ૫૦ ટકા માંડ થાય તેવી સંભાવનાં છે.

એક સરકારી અધિકારીએ જણાવ્યું હતુ કે જો આગામી એક મહિનો ઘઉંનાં ભાવ આટલા જ ઊંચા રહ્યાં તો ઘઉંની ટેકાનાં ભાવથી સરકારી ખરીદી લક્ષ્યાંકની ૫૦ ટકા જેવી માંડ થાય તેવી સંભાવનાં છે. ૪૪૪ લાખ ટનનાં લક્ષ્યાંક સામે ૨૫૦ લાખ ટન જેવી ઘઉંની ખરીદી થાય તેવી ધારણાં છે. સરકારે અત્યાર સુધીમાં ઘઉંની ટેકાનાં ભાવની ખરીદી હજી ૧૦૦ લાખ ટને પણ પહોંચી નથી.

કંપનીનાં અધિકારીએ જણાવ્યું હતું કે સરકારે ઘઉનાં ઉત્પાદનનો અંદાજ ૧૧૧૩ લાખ ટનનો મૂક્યો છે, પરંતુ ખરેખર દેશમાં ઘઉંનો પાક ૯૫૦થી ૧૦૦૦ લાખ ટન વચ્ચે જ થાય તેવી ધારણાં છે, જે વર્ષ ૨૦૨૧-૨૨માં ૧૦૯૫ લાખ ટન થયો હતો, તેની તુલનાએ પણ ઓછો થશે.

દેશમાં ઘઉંની ટેકાનાં ભાવથી ખરીદી ગત વર્ષે ૧૨૦ લાખ ટન જેવી થઈ હતી, જેની તુલનાએ આ વર્ષે ૮૦ લાખ ટન આસપાસ માંડ થઈ છે.

ઘઉંની નિકાસને લઈને અલગ-અલગ આંકડાઓ આવી રહ્યાં છે. ચાલુ વર્ષે નિકાસ ૧૦૦ લાખ ટનથી લઈને ર૧૦ લાખ ટન સુધીનાં નિકાસનાં અંદાજો આવે છે, જો ૨૦૦ લાખ ટન ઉપર નિકાસ થાય તો ભારતને આગામી સિઝન પૂર્વે ઘઉંની અછત સર્જાય શકે છે. કેટલોક વર્ગ માને છેકે સરકાર એક વાર સરકારી ખરીદો પૂર્ણ થયા બાદ નિકાસ અંગેનો નિર્ણય લે તેવી સંભાવનાં છે. ઘઉનો પાક અંદાજથી ઘણો ઓછો થયો છે.

કોમેન્ટ કરો (0)
વધુ નવું વધુ જૂનું